પરમ વિશ્રામ અને કૃપા

પરમ વિશ્રામને પામવું એ એક કૃપા છે. અને કૃપાપાત્ર હોવાની સમજણ દ્વારા જ અત્ર તત્ર માત્ર ઈશ્વર હોવાની પ્રતીતિ  થાય છે. ઈશ્વર સિવાય બીજું કશું જ નથી એવું જ્ઞાન થાય ત્યારે જ  પરમ વિશ્રામ સંભવે છે. આ પ્રતીતિ અથવા અનુભવ કે “જે કંઇ છે તે ઇશ્વર જ છે” એ સમાધિ  છે. સમાધિ બધી પ્રતિભા, શક્તિ અને ગુણો ની જન્મદાત્રી છે. એક ભૌતિક સુખ સંપન્નતા ઝંખતી  વ્યક્તિને પણ એ પામવા માટેનું સામર્થ્ય  અને ગુણો મેળવવા માટે સમાધિનો અનુભવ જરૂરી છે. સમાધિની સ્થિતિમાં હોવું એ કોઇ ખાસ પ્રયત્નો કે પ્રતિભા, શક્તિ અથવા ગુણો પર આધારીત નથી હોતું.

તમામ પ્રકારની પ્રવુત્તિઓ દરમ્યાન માનસિક અને શારીરિક સ્તરે અલિપ્ત રહેવું એ જ આરામ છે. ઉંઘ એ આપણા જીવન સાથે આંતરીક વ્યવસ્થા રુપે વણાયેલું પરીબળ છે. મીઠી ઊઁઘ અને (કર્તાભાવ વિનાની) પ્રવૃતિ  એક્મેક્ના શ્રેષ્ઠ મિત્ર છે. સમાધિ એ જાગૃતિપુર્ણ  વિશ્રામ છે. સમાધિ અને જીવન વચ્ચે અતૂટ મૈત્રી છે.  જીવનને સંપૂર્ણતાથી અને કુશળતાપુર્વક માણવા માટે સમાધિ અનિવાર્ય છે.