જીવન એક સ્વપ્ન, બોજ કે પછી એક મજાક/ ટૂચકો

કોઇવાર જ્યારે તમે ખુશખુશાલ હો છો ત્યારે તમને જીવન એક સ્વપ્ન જેવું લાગવા માંડે છે કારણકે તમે જીવન આવી હકીકતવાળું હોય તેવી શ્રધ્ધા ધરાવતા નથી. જ્યારે દુ:ખ આવે છે ત્યારે તમને જીવન એક બોજ રુપ લાગે છે અને આપણે જીવનની સાચી ઓળખ પામી લીધી હોય તેમ તેને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. પરંતુ એક વ્યક્તિ જ્યારે ખરેખર સાચા અર્થમાં આનંદની અનુભૂતિ કરે છે ત્યારે તેને સમજાય છે કે આ આનંદ એક પ્રકારનો ભાર છે, બોજ છે. અને જ્યારે તમે દુ:ખમાંથી સંપુર્ણ સભાનતાથી પસાર થાવ છો, ત્યારે તમને એવું સમજાય છે કે જીવન એક સ્વપ્ન છે. આમ દરેકેદરેક દુ:ખદાયી પરિસ્થિતિઓમાંથી તમે હેમખેમ પસાર થયા પછી, મુશ્કેલીઓ પાર કર્યા બાદ તમને સમજાય છે કે જીવન એક સપનું જ છે. જ્યારે તમે જીવનને આ રીતે એક સ્વપ્ન, બોજ કે પછી એક મજાક તરીકે જોશો ત્યારે જ તમે કેન્દ્રિત થઈ શકશો.

જો તમે વાસ્તવમાં દુ:ખ કે યાતનાઓ ભોગવી ચુક્યા હશો તો તમને અનુભવાયું હશે કે જીવન ખરેખર સ્વપ્નવત છે. અને જીવન જાણે આ દુ:ખો અને સુખોની વચ્ચેથી પસાર થતી એક મજાક માત્ર છે. જીવન ખૂબ જ અનિશ્ચિત છે. આ અનિશ્ચિતતા તમને ડામાડોળ કરે એ પહેલાં જીવન માત્ર એક સ્વપ્ન, બોજ કે એક મજાક છે એ જાણી લો.

કોઇકે પ્રશ્ન પૂછ્યો.: જીવન એક મજાક છે, એક ટૂચકો છે એવું કઇ રીતે કહેવાય?

જવાબ: તમે મજાક કે ટૂચકો સાંભળીને એની સામે કદી પ્રશ્ન ઉઠાવતા નથી. જો તમે મજાક કે ટૂચકાની સામે પ્રશ્ન ઉઠાવો તો એ ટૂચકો રહેતો નથી. આ જ રીતે બોજ સામે પણ પ્રશ્ન ઉઠાવતા નથી. જિંદગી અને તેની આસપાસની ઘટનાઓ પ્રત્યે પ્રશ્નો ઉઠાવવા એ માત્ર સમયનો બગાડ છે.

બોજ તમને ગહન ઊંડાણ તરફ દોરી જાય છે જે તમારા સાચા અસ્તિત્વ ‘સ્વ’ની તરફ લઇ જાય છે. જીવન એક સ્વપ્ન હોવાની સમજ તમને જાગતા રાખે છે અને જીવનને એક ખેલ તરીકે જોવાનું વલણ તમને હળવા ફૂલ રાખે છે. માત્ર એટલું જ નિશ્ચિત છે કે જીવન એક સ્વપ્ન, બોજ અથવા મજાક છે અને જ્યારે તમે આ સમજો ત્યારે જ તમે કેન્દ્રિત બની શકો છો.