ઝંખના એ જ દૈવીતત્વ છે (દિવ્યતા)

ઝંખના એ જ દિવ્યતા છે. દુન્યવી પદાર્થો માટેની ઝંખના તમને બેચેન બનાવે છે જ્યારે અનંતતા – વિશાળતા પ્રત્યેની ઝંખના તમને ચૈતન્યથી ભરી દે છે. જ્યારે કોઇ ઝંખના જ ન રહે  ત્યારે તો સાવ નિષ્ક્રિય થઇ જવાય છે. પરંતુ ઝંખનાની સાથે સાથે દુ:ખ પણ આવતું હોય  છે, ને પછી તમે એ દુ:ખથી છુટવા માટે ઝંખનાને જ હડસેલી દો છો. પરંતુ કુશળતા/બુધ્ધિમાની તો એમાં છે કે તમે એ દુ:ખ સહન કરતાં કરતાં આગળ ધપો. ઝંખના પર કાબૂ મેળવવાનાં ટૂંકા માર્ગો શોધશો નહીં, તેમજ એ ઝંખનાને પણ ટૂંકી કે સરળ રીતે પુરી કરવાનો પ્રયાસ પણ ન કરશો. આવી ઝંખનાને જ  Longing કહેવાય છે.

સાચી ઝંખના તો પોતે જ આશીર્વાદરૂપ છે. આથી જ પ્રાચીન સમયમાં ગીતો ગાઇને અને વાર્તા/કથાઓ સાંભળીને ઝંખનાને જીવંત રાખવામાં આવતી હતી. જ્યારે ઝંખના દ્વારા સંબંધો, ધારણાઓ, એષણાઓમાં પરિવર્તન આવે છે ત્યારે બધી જ નકારાત્મક લાગણીઓ નષ્ટ પામે છે માત્ર શાણપણ અને આત્મવિશ્વાસ દ્વારા જ સંબંધોમાં પરિવર્તન શક્ય બને છે. ઘણીવાર લોકો વિચારે છે કે ઝંખનાથી દૂર રહેવામાં જ ડહાપણ છે. ના, આ ડહાપણ નથી. સાચા શાણપણથી ઉદ્દભવેલ ઝંખના જીવનને વધુ રસમય બનાવે છે, દેવ – દેવત્વ – દિવ્યતા ખરેખર રસિક છે! પોતે જ તમારામાં આશીર્વાદની શક્તિ જન્માવે છે. સમગ્ર સૃષ્ટિને આશીર્વાદ આપો. કારણ તમારી અંદરની ઝંખના એ જ દિવ્યતા છે.