શ્રી શ્રી રવિશંકરજી

શ્રી શ્રી રવિશંકરનો ઍક પરિચય

શ્રી શ્રી રવિશંકરજી એક માનવતાવાદી નેતા, આધ્યાત્મિક ગુરુ અને શાંતિદુત છે.તેમના તણાવમુક્ત, અને હિંસાવિહીન સમાજના દ્રષ્ટિકોણને કારણે દુનિયાના લાખો લોકો એમના સેવા કાર્યો અને આર્ટ ઓફ લિવિંગના કોર્સ સાથે જોડાઈ ચુક્યા છે.

શરુઆત

૧૯૫૬માં દક્ષીણ ભારતમાં જન્મેલા શ્રી શ્રી રવિશંકરજી એક મેઘાવી અને પ્રતિભાશાળી બાળક હતા. ચાર વર્ષની ઉંમરે તો તેઓ પૌરાણીક સંસ્ક્રુત ગ્રંથ ભગવદ્ ગીતાના પાઠ બોલતા હતા અને એ બાળઅવસ્થામાં ઘણીવાર એકાંતમાં ધ્યાન કરતા જોવા મળ્યા હતા. તેમના પહેલા ગુરુ હતા સુધાકર ચતુર્વેદી, કે જેઓ ઘણા વર્ષો સુધી મહાત્મા ગાંધીજીના સહયોગી રહી ચુક્યા હતાi. તેઓ પાસે વૈદિક સાહિત્ય અને પદાર્થ વિજ્ઞાનની  પદવીઓ હતી.

આર્ટ ઓફ લિવિંગની સ્થાપના અને ઈન્ટર્નેશનલ એસોસીએશન ફોર હ્યુમન વેલ્યુઝ ( આઈ એ એચ વી)

ભારતના કર્ણાટક રાજ્યના શિમોગા શહેરમાં શ્રી શ્રી રવિશંકરજી દસ દિવસના મૌનમાં હતા તે દરમ્યાન શ્વાસોશ્વાસની શક્તિશાળી સુદર્શન ક્રિયાનો પ્રાદુર્ભાવ થયો. આજની ક્ષણે,  સુદર્શન ક્રિયા આર્ટ ઓફ લિવિંગ શિબિરની સંજીવની હોવાનો બધાનો અનુભવ છે.

શ્રી શ્રી રવિશંકરજીએ શિક્ષણ અને માનવતાવાદી કાર્યો કરતી "આર્ટ ઓફ લિવિંગ" નામની સંસ્થાની સ્થાપના કરી. તેના શૈક્ષણિક અને સ્વવિકાસના કાર્યક્રમો ખૂબ જ અસરકારક રીતે વ્યક્તિને તણાવમૂક્ત કરી સારા નાગરિક બનવા પ્રોત્સાહિત કરે છે.  " આર્ટ ઓફ લિવિંગ" એ કંઈ અમૂક સમુદાયને માટે  જ  નહિ, પરંતુ આખાય વિશ્વ માટે તેમજ સમાજના દરેકેદરેક સ્તરના લોકો માટે અસરકારક પુરવાર થયેલ છે.

૧૯૯૭માં શ્રી શ્રીએ " આંતરરાષ્ટ્રિય માનવીય મૂલ્યો"ની સંસ્થા ( આઈ એ એચ વી) ની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા વિકાસની યોજનાઓ, માનવીય મૂલ્યોનું સંવર્ધન અને ગંભીર મતભેદોનું નિવારણ કરીને અસરગ્રસ્ત વિસ્તારમાં પુન: શાંતિ સ્થાપવાના કાર્યો આર્ટ ઓફ લિવિંગના સહયોગથી કરવામાં આવે છે.  આ બન્ને સંસ્થા- " આર્ટ ઓફ લિવિંગ" અને  "આઈ એ એચ વી"-ના સ્વયંસેવકોએ ભારત, આફ્રિકા અને દક્ષીણ અમેરિકામાં ગ્રામ્ય સમાજના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. અને અત્યાર સુધીમાં ૪૦૨૧૨ (ચાલીસ હઝાર બસ્સો ને બાર) ગામડાઓને  તેમની સેવાનો લાભ મળી ચુક્યો છે.

સેવામાં જાગ્રુતિ અને વૈશ્વિક જ્ઞાન

સુવિખ્યાત માનવતાવાદી શ્રી શ્રી રવિશંકરજીના કાર્યક્રમો દ્વારા ખાસ કરીને  પછાત, કૂદરતી આફતોમાં અસર પામેલાઓ, આતંકવાદી હુમલાઓ અને યુધ્ધમાં બચી ગયેલાઓ, સમાજમાંથી તરછોડાયેલા બાળકો તેમજ વિખવાદવાળા અને મનમેળ વગરના સમાજના લોકોને ખૂબ મદદ મળી છે.  આ આધ્યાત્મિક માર્ગ પર સેવા કરવા માટે લોકોને જોડવા તેમજ સહુમાં જાગ્રુતિ  લાવવા ઘણા મોટા જુથમાં સ્વયંસેવકો સતત પ્રવ્રુત છે,  જેને કારણે આજે વિશ્વના ખૂણે ખુણે બીજા અનેક લોકો આ સેવાકાર્યમાં હોંશેહોંશે જોડાઈ રહ્યા છે.

આધ્યાત્મિક ગુરુ તરીકે શ્રી શ્રી રવિશંકરજીએ યોગ અને ધ્યાનનો દિપક ફરી પ્રગટાવ્યો છે. જે આપણી એકવીસમી સદીને એકદમ અનુરુપ છે. પૌરાણિક જ્ઞાન પુનર્જીવીત કરવા ઉપરાંત શ્રી શ્રી રવિશંકરજીએ વ્યક્તિ અને સમાજમાં પરિવર્તન લાવી શકે તેવી નવીનતમ ને આકર્ષક શૈલી પણ તૈયાર કરી છે, જેમાં સુદર્શન ક્રિયાનો પણ સમાવેશ થઈ જાય છે, કે જેને કારણે લાખો લોકોને તણાવમાંથી મૂક્તિ મળી છે અને રોજબરોજની જીંદગીમાં આંતરિક શક્તિ અને શાંતિનો અનુભવ થયો છે. ફક્ત ૩૧ વર્ષના ટૂંકા ગાળામાં તેમના કાર્યક્રમો અને ચળવળ ૧૫૨ દેશો અને ૩૭ કરોડ લોકો સુધી પહોંચ્યાં છે.

એક શાંતિદૂત

શાંતિદૂત તરીકે શ્રી શ્રી રવિશંકરજીએ વિવાદો દૂર કરવામાં અને હિંસા નિવારણના તેમના દ્રષ્ટિબિંદુને આખાય વિશ્વમાં ફેલાવવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. તેઓને શાંતિ   માટેના એક તટસ્થ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જ વિવાદો વખતે એકમાત્ર આશાનું કિરણ હોય એવું પ્રતિત થાય છે. ઈરાક, આઈવરી કોસ્ટ, કાશ્મીર અને બિહારમાં બે પરસ્પર વિરોધી પક્ષ કે પરીબળોને સમજૂતી માટે ભેગા કરવાનો શ્રેય તેમને જ આપવામાં આવ્યો છે. તેઓને ભારત સરકારે કર્ણાટક ખાતે કોરોનેશન ઓફ ક્રિષ્નદેવરાયાજીની ૫૦૦મી જયંતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરેલા.

શ્રી શ્રી રવિશંકર અમરનાથ શ્રાઈન બોર્ડના પણ સભ્ય છે, જે નિમણૂક જમ્મુ અને કાશ્મીર સરકારે  કરેલ છે.

એમની પોતાની જ પહેલ અને વક્તવ્યોથી શ્રી શ્રી રવિશંકરજીએ માનવીય મૂલ્યોને ફરી જગાડવાની બાબતને  હંમેશા સૌથી વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. અને માનવતાવાદી હોવું એ જ આપણી સાચી ઓળખ હોવાનો આદર્શ દર્શાવ્યો છે.  બે ધર્મ વચ્ચે સુમેળ સાધવો અને વિવિધ સંસ્ક્રુતિના ભણતર થકી ધાર્મિક ઝનુનને નાથવાના તેમના પ્રયત્નો વિશ્વ શાંતિ માટેની તેમની આગવી સિધ્ધિ છે.

તેમના કાર્યોએ વિશ્વના લાખો લોકોને અસર કરી છે, તેમના "વિશ્વ એક પરીવાર"- "વસુધૈવ કુટુંબકમ" ના સંદેશ દ્વારા જુદી જુદી જાતીઓ વચ્ચેના વાડા ; અલગ દેશની નાગરીકતાને લીધે મનમાં ઉપજતો અલગ કે પારકાપણાનો ભાવ અને વિવિધ ધર્મ વચ્ચેની દીવાલો એમ બધા જ બંધનોને તોડીને સાબિત કર્યું  છે કે આંતરિક તેમજ બાહ્ય શાંતિ શક્ય છે.; સેવા અને માનવીય મૂલ્યોને ફરી જગાડીને તણાવમૂક્ત, અને હિંસાવિહીન સમાજ  હાંસલ કરી શકાય છે