એક પવિત્ર જવાબદારી
જ્યારે બાળકોની વાત કરીએ ત્યારે માતા પિતા બનવું એ એક પવિત્ર જવાબદારી છે.આપણી જવાબદારી માત્ર ખોરાક,રહેઠાણ અને શિક્ષણ પૂરું પડવાની નથી.આપણી જવાબદારી તેમના માનસિક દ્રષ્ટિબિંદુ, લાગણીઓ,બુદ્ધિ,વિચાર પ્રક્રિયાઓ અને વર્તણૂક યોગ્ય માર્ગે છે તે જોવાની પણ છે.આ જરૂરી છે.
જો તમે બહુ વ્યવસ્થિત છો તો બાળકો તમારું જીવન અસ્તવ્યસ્ત બનાવી દેશે.તમારી મર્યાદાઓ તોડી કાઢવામાં બાળકો એક્કા હોય છે.મને યાદ છે કે કેવી રીતે મારા એક કાકા મારી અને મારી બહેન સાથે બહુ કઠોર હતા.જયારે તેમને દીકરો થયો ત્યારે તે તેમને શિસ્તમાં રાખવા માંડ્યો,અને તેમની બધી મર્યાદાઓ તેણે તોડી કાઢી.આમ,તમારા બાળકો તમને ઘણું શીખવાડે છે જે બીજાઓ કદાચ નથી કરી શકતા.
સારા માતા પિતા કેવી રીતે બનવું?
સારા માતા પિતા બનવા માટે તમારે પ્રારંભિક જે કરવું જોઈએ તેના આ થોડા સૂચનો છે:
-
તમારા બાળકની વૃત્તિઓનું અને તે કઈ દિશામાં જઈ રહ્યો છે તેનું અવલોકન કરો
તમારું બાળક તમારી પોતાની પરિકલ્પનામાં બંધબેસે એવા પ્રયત્નો ના કરો.ઘણા માતા પિતા આ એક મોટી ભૂલ કરતા હોય છે.તમારે તમારી પરિકલ્પના વિષે તમારા બાળકને જણાવવું જોઈએ અને જો તેની પરિકલ્પના અયોગ્ય હોય તો તેને સમજાવીને તેનાથી વિમુખ કરવું જોઈએ.દરેક બાળક પૃથ્વી પર કોઈ ચોક્કસ વૃત્તિ લઈને આવ્યું હોય છે જેને બદલી શકાતી નથી અને તે કેટલીક સૂઝ પ્રાપ્ત કરે છે,જેને નિયંત્રિત કરી શકાય છે.તમે તેણે હાંસલ કરેલી સૂઝ કે તેના વ્યક્તિત્વમાં બદલવા લાવીને ઘણું પરિવર્તન કરી શકો છો, પરંતુ બાળક જે બીજ લઈને જન્મ્યું હોય તે બાબતે તમે કંઈ કરી શકો નહીં.તેની અસર હંમેશા થશે.તમારે આ બે બાબતો વિષે ભેદ પારખતા શીખવું જોઈએ—તેમાં શાણપણ છે.અને જો તમે તેમ કરી શકો છો તો અડધું કામ થઇ ગયું એમ સમજો.બાકીનું અડધું વૈશ્વિક ઊર્જા પર છોડી દેવાનું હોય.તમે એની પર કોઈ નિયંત્રણ હોતું નથી.
-
સંવેદનશીલ બનો
બાળકના માતા પિતા તરીકે તમારે ખૂબ સંવેદનશીલ બનવું જોઈએ.આ એક બાબત તમારે તમારા મનમાં રાખવી જ જોઈએ.જો તમે બાળકોને કહેશો કે જૂઠ્ઠું નહીં બોલવાનું અને જો તમે તેમને ફોન પર ‘તમે ઘેર નથી’ એવું કહેવાનું કહેશો તો એ જરાય યોગ્ય નથી.
-
તમારા બાળકની ઉપસ્થિતિમાં દલીલો કરવાનું ટાળો
કોઈ પણ ભોગે તમારા બાળકની ઉપસ્થિતિમાં દલીલો કરવાનું ટાળો.તમે દલીલો કરતા હોવ ત્યારે ધ્યાન રાખો કે તેઓ નજીકમાં ના હોય.ઉપરાંત,તેમના સંવેદનશીલ સ્વભાવને લીધે તેઓને ખ્યાલ આવી જતો હોય છે કે મોટાઓ વચ્ચે કલહ થયો છે.માટે, તમારા બાળકો એ રૂમમાં અથવા ઘેર પાછા આવે તે પહેલા બાબત ઉકેલીને શાંતિ સ્થાપવા તમારા બધા પ્રયત્નો કરી દો.
-
તેઓ તમને બધી વાતો કરે એ માટે પ્રોત્સાહન આપો
ઘણી વાર આપણે બાળકો કોઈ વસ્તુઓ કોઈને આપે નહીં અને પોતાની પાસે જ રાખે એવી વૃત્તિને પ્રોત્સાહન આપીએ છીએ.આવું એક હદ બહાર થાય તો બાળકોને ગુંગળામણ થાય છે.થોડા સમય પછી તેઓ પોતાની લાગણીઓ પણ દબાવીને રાખવાની વૃત્તિ ધરાવતા થઇ જાય છે,જે તેમના વ્યક્તિત્વમાં બાધારૂપ બને છે.તમારે તમારા બાળકોની બધું વહેંચવાની મનોવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે તેનાથી તેમનું તંદુરસ્ત વ્યક્તિત્વ બનવામાં મદદ મળે છે.
-
તેમને સ્વપ્ન જોતા કરો અને તે દિશામાં તેમના પ્રયાસોમાં મદદ કરો
માતા પિતા બનવાની આખી પ્રક્રિયા તમને પુષ્કળ ધીરજ અને ખંત શીખવે છે. તમારા બાળકોએ જે યોગ્ય દિશામાં જવું જોઈએ તે માટે તમારે માર્ગદર્શન આપવું આવશ્યક છે.આજે માતા પિતા સમક્ષ સૌથી મોટો પડકાર એ છે કે બાળકોને એક સ્વપ્ન જોતા કરવા અને તેમને તે દિશામાં પ્રયાણ કરવા સમજાવવા. માટે,તેમને વિધ વિધ જાતની પ્રવૃત્તિઓ પ્રત્યે અભિમુખ કરવા એ શ્રેષ્ઠ છે.બાળક ૧૦ વર્ષનું થાય એ પહેલા આમ કરવું જરૂરી છે.તમારે તમારા બાળકોને વિજ્ઞાન અને કળાના પ્રદર્શનોમાં લઇ જવા જોઈએ અને તેમને બધા વિષયોથી અભિમુખ કરવા જોઈએ.
-
તમારા બાળકોને સમાજ સેવામાં પ્રવૃત્ત કરો
રવિવારે તેમને થોડી ચોકલેટ આપીને તેમને જે સૌથી ગરીબ લોકો લાગે તેમાં તે વહેંચવા કહો.વર્ષે એક કે બે વાર તેમને ઝુંપડપટ્ટીમાં લઈ જાવ અને ત્યાં કોઈ સેવાનું કાર્ય કરવા કહો.એનાથી તેમનું વ્યક્તિત્વ અનેક મર્મજ્ઞ રીતે વિકસશે અને તેમની પાસે જે છે તેના માટે તેમને વધારે કૃતજ્ઞ બનાવશે.
-
તમારા બાળકોને સર્વગ્રાહી શિક્ષણ આપો
તમારે તમારા બાળકોને વિજ્ઞાન અને કળા બંન્ને પ્રત્યે અભિમુખ કરવા જોઈએ-મગજની બંન્ને બાજુઓને પોષણ મળવું જોઈએ.મા સરસ્વતી(દેવી જે શીખવે છે)ની વસ્તુકલ્પના અદભૂત છે.મા સરસ્વતીના ફોટા કે મૂર્તિને જોશો તો તેમના હાથમાં વીણા,પુસ્તક અને માળા હોય છે.પુસ્તક ડાબા મગજને પોષણ આપવાનો સંકેત કરે છે,વીણા જમણા મગજને પોષણ આપવાનો સંકેત કરે છે અને માળા ધ્યાન કરવાનો સંકેત આપે છે.આમ,જ્ઞાન,સંગીત અને ધ્યાન– શિક્ષણને સંપૂર્ણ બનાવવા માટે આ ત્રણે જરૂરી છે. જયારે આ ત્રણેયનો વિકાસ થયો હોય તો તમે વ્યક્તિને શિક્ષિત અને સંસ્કારી કહી શકો.માટે, બાળકો સંગીત અને યોગ શીખે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખે તેની ખાતરી કરો.
-
તમારા બાળકના વિશ્વાસનું જતન કરો
બાળકોના સ્વભાવમાં વિશ્વાસ કરવાની વૃત્તિ હોય છે.પરંતુ કોઈ કારણોથી તેમનો વિશ્વાસ તૂટી જાય છે. આપણે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.શું તેઓ પોતાનો વિશ્વાસ કરે છે?શું તેમને પૂરતો આત્મવિશ્વાસ છે?એક સ્વસ્થ બાળકમાં ત્રણ પ્રકારના વિશ્વાસ હોય છે:
અ. પોતાની જાતમાં વિશ્વાસ
બ. તેમની આસપાસના કે સમાજના લોકોની સાલસતામાં વિશ્વાસ
ક. ઈશ્વર કે દૈવી શક્તિમાં વિશ્વાસ
બાળકો સારા માણસ તરીકે વિકાસ કરે એ માટે આ ત્રણ પ્રકારના વિશ્વાસ એ પ્રાથમિક જરૂરિયાત છે.
તમારા બાળકો તમામ વયજૂથના લોકો સાથે હળે મળે કરે એ માટે પ્રોત્સાહિત કરો
તમારું બાળક કોની સાથે હળે મળે છે તેનું અવલોકન કરો.તે પોતાના કરતાં નાના હોય તેમની સાથે અને તેમના કરતાં મોટા છે તેમની સાથે કેવી રીતે હળે મળે છે તે જુઓ.અને એ પણ જુઓ કે તે તેમની પોતાની ઉમરના લોકો સાથે કેવી રીતે હળે મળે છે.આ અવલોકનો ઘણું દર્શાવી શકે છે.તમે એ જોઈ શકશો કે તમારા બાળકોમાં કોઈ ગુરુતા કે લઘુતા ગ્રંથી વિકસી રહી છે કે શું, કે તેઓ અંતર્મુખી કે બાહ્યમુખી થઈ રહ્યા છે.અને તમે આ બાબતોમાં નકારાત્મક ગુણોને સ્થાપિત થતા અટકાવવામાં બહુ મોટો ભાગ ભજવી શકો છો.તેમની સાથે રમતો રમો અને તેમને તમામ વયજૂથ સાથે હળવામળવા પ્રોત્સાહિત કરો.જે બાળકોને લઘુતાગ્રંથી છે તેઓને પોતાના કરતાં નાના લોકો સાથે હળવું મળવું ગમશે અને તેમના કરતાં મોટાથી દૂર ભાગશે,અને પોતાની ઉમરનાને અવગણવા પ્રયાસ કરશે.જે બાળકોને ગુરુતા ગ્રંથી હશે તેઓ તેમના કરતાં નાનાથી છટકી જશે અને તેમને માત્ર મોટાઓ સાથે બનશે.બંન્ને કિસ્સાઓમાં તેઓ સારા વાતચીત કર્તા હોતા નથી. માતાપિતા તરીકે તમે તેમને વાતચીતની કળા બાળપણથી શીખવી શકો છો. તેમને માટે કેવી રીતે વાતચીત કરવી એ શીખવું બહુ અગત્યનું છે.
-
તમારા બાળકમાં સમતુલન રાખવાની ભાવના રોપો
તમે તમારા બાળકોની ફરિયાદોને પ્રોત્સાહન આપો છો?તમે નકારાત્મકતાને પ્રોત્સાહન આપો છો કે તમે તેને કોઈ રીતે સકારાત્મકમાં પરિવર્તિત કરો છો?તમારે એક સંતુલિત ભાગ ભજવવો જોઈએ.કોઈ વાર તમારું બાળક આવીને તમને કહે છે કે અમુક વ્યક્તિ બહુ સારી છે,પરંતુ તમે જાણો છો કે એ બાળક એવું સારું નથી. તો તમારે એ બાળકના વ્યક્તિત્વમાં તમે જે અનિચ્છનીય જોયું છે તે બાબતે તમારા બાળકનું ધ્યાન દોરવું જોઈએ અને તેને સમતુલિત વિચારો પ્રત્યે દોરવું જોઈએ.
કોઈ વાર તેઓ એવાથી અંજાઈ જાય છે જેની ટેવો સારી નથી;તો તમારે તેમને એમની નકારાત્મક બાબતો વિશે જાણ કરવી જોઈએ.
એ જ રીતે,તેઓ જયારે તમને કોઈની નકારાત્મક વાતો કરે તો તમારે એ વ્યક્તિની સકારાત્મક બાજુ રજુ કરવી જોઈએ.આમ,જયારે બાળક એક કે બીજી બાજુએ વધારે પડતું ઢળી પડે ત્યારે તમારે સમતુલન લાવવું જોઈએ.
માતા પિતા હોવું એ તે બે તરફની યાત્રા છે.તમે તેમની પાસેથી શું શીખવા માંગો છો અને તમે તેમને શું શીખવવા માંગો છો એ તમારે નક્કી કરવું જોઈએ!











